આ વેબસાઇટ પર મુક્વામા આવતી તમામ બાબતો તદ્દન ફ્રી છે-જય ભોજકBlogger Tips and Tricks
"The best thing a child can do with a toy is break it !" - Jay BhojakBlogger Tips and Tricks
Education is now going to hell by some rules so please contribute and Save Education Reformes.Blogger Tips and Tricks

Tuesday, April 1, 2014

હરિ સાંજે ઘેર આવ્યો ત્યારે સાંજના છ વાગવા આવ્યા હતા. તેણે જોયું કે આખું ઘર સૂમસામ છે. દરરોજ ઓટલે બેસી હુક્કો ગગડાવતા દાદાજી આજે ત્યાં નહોતા અને રસોડામાં મા પણ રસોઈમાં નહોતી. આવું સૂમસામ જોઈ હરિને ગભરામણ થવા લાગી. તેણે આમતેમ નજર નાખી માને શોધવા માંડી, તો તેને એક ખૂણામાં બેઠી બેઠી રડતી જોઈ.
આ પહેલાં હરિએ પોતાની માને કદી રડતી જોઈ નહોતી. તેને વિલાપ કરતી જોઈ હરિનું દિલ ભરાઈ આવ્યું અને તે પણ રડવા લાગ્યો. થોડો વખત રહીને તેણે રડતાં રડતાં જ પોતાની માને પૂછ્યું કે, ‘‘મા, શું થયું? રડે છે કેમ?’’ માએ અચકાતાં અચકાતાં જવાબ આપ્યો કે, ‘‘ગાંધીબાપુ... ગુજરી... ગયા.’’ એ સાંભળી હરિનું હૃદય જાણે થંભી ગયું. તે બોલ્યો, ‘‘મા, તેઓ કેવી રીતે ગુજરી ગયા? હજુ ગઈ કાલે તો હું બાપુજી સાથે તેમની પ્રાર્થનાસભામાં ગયો હતો. હું તેમને પગે પડ્યો ત્યારે તેમણે ખૂબ હેતથી મારા ગાલ પર ટપલી મારી કહ્યું હતું કે, હવે તો તોફાનમસ્તી નથી કરતો ને? મા, કાલ સુધી તો તેઓ તદ્દન સાજા હતા!’’ હરિની આ વાત સાંભળી તેની મા વધારે ને વધારે ડૂસકાં ભરીને રોવા લાગી. હરિએ પણ ડૂસકાં લેતાં ફરી પૂછ્યું, ‘‘મા..., તેઓ કેવી રીતે ગુજરી ગયા?’’
મા— ‘‘હરિ ! શું વાત કરું? તેઓ કેમ મરણ પામ્યા તે તને કેમ સમજાવું? કોઈ નીચ પાપીએ તેમને ગોળી મારીને ઠાર કર્યા.’’
હરિ— ‘‘મા ! ગાંધીજીએ તેનું શું બગાડ્યું હતું ? તેઓ તો આપણા દાદા કરતાં પણ વધારે ભલા હતા, નહીં?’’
મા— ‘‘હા બેટા ! પણ આ દુનિયા એવી જ છે. અહીં સાચું કહેનારા અને ભગવાનના ભક્ત બૂરા માણસોને ગમતા નથી. સાચી વાત હંમેશાં કડવી લાગે છે, લોકો તે સાંભળવા માગતા નથી.’’
હરિ— ‘‘મા, મને બાપુજીની બંદૂક ઉતારી આપ. આપણી પાસેથી ગાંધીબાપુને છીનવી લેનાર પાપીને હું હમણાં ને હમણાં જાનથી મારી નાખીશ,’’ હરિ જુસ્સામાં આવી જઈ બોલ્યો.
મા— ‘‘બેટા, તારી વાત બરાબર નથી. ગાંધીબાપુએ તો આપણને શીખવ્યું છે કે કોઈને મારવું એ પાપ છે. તેં ગાંધીબાપુને જોય છે, ઓખળ્યા નથી. ચાલ, હું તને તે કોણ હતા ને કેવા હતા તેની વાત કરું.
‘‘તને જાણીને અચરજ થશે હરિ ! કે નાનપણમાં તેઓ તારા જેવા જ બાળક હતા. પણ અનેક એકધારા પ્રયત્નોથી તેમણે પોતાની જાતને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી ! પ્રેમ અને સેવાના બળથી તેઓ ગૌતમ બુદ્ધની જેમ મહાત્મા બન્યા. તેઓ આ દેશના સૌથી મોટા સેવક હતા. તેમના માથા પર મુગટ નહોતો પણ અહીંના ચાળીસ કરોડ લોકોના દિલ પર તેમની આણ હતી. દેશના નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા માણસ સુધી સા કોઈ તેમને પિતા માનતા અને સૌ તેમને ગાંધીબાપુના નામથી બોલાવતા. કારણ, ગાંધીજી લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી થતા. ગરીબો સારુ તેમને ખૂબ લાગણી હતી. તેઓ ગરીબોની જેમ સાદાઈથી રહેતા, માત્ર ખાદીનો એક કચ્છ પહેરતાં. ઓઢવા માટે પણ તેમની પાસે ખાદીની એક જ ચાદર હતી અને ખાવામાં પણ તેઓ બકરીનું દૂધ અને બાફેલાં શાકભાજી લેતા. બેટા ! ખરેખર તેઓ મહાત્મા હતા.’’
હરિ— ‘‘મા ! બાળકો પર તેમને કેટલી બધી માયા હતી ! તેઓ ક્યારેક તેમને હસાવતા, ક્યારેક મજાની વાતો કરતા અને ક્યારેક તેમને લઈને ફરવા પણ જતા. તેઓ બાળકો સાથે હોય ત્યારે એમ લાગતું કે  તેઓ પણ જાણે બાળક જ છે ! મા, તું મને પહેલેથી ગાંધીબાપુની વાત કહે !’’
મા— ‘‘સારું, સાંભળ. જેમ જેમ મને યાદ આવતું જશે તેમ તેમ તને તેમની વાત કહેતી જઈશ. આજે રસોઈ તો કરવાની નથી - આજે કોનાથી ખવાશે ? તારા દાદા વધારે કંઈ જાણવા મળે તે સારુ પડોશમાં રેડિયો સાંભળવા ગયા છે. તેઓ આવે ત્યાં સુધી હું તને બાપુની વાતો કહું કે જેથી મારું મન પણ કંઈક હલકું થાય.’’
આમ હરિની માએ બાપુની અમર કહાણી કહેવી શરૂ કરી.

No comments: